પુરુષપ્રયત્ન...

પુરુષપ્રયત્ન...
September 1, 2023
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

 હતું ભીનું લાકડું. તે એક ખૂણામાં પડ્યું હતું. તે પડ્યું પડ્યું વિચારતું હતું કે, ‘મારે દુનિયામાં કાંઈક મોટું કામ કરવું છે, અને બધાય મારાં વખાણ કરે એવું કરવું છે.’ આવા શેખચલ્લી જેવા વિચારો રોજ કરતું

એક દિવસ એણે એક સૂકા લાકડાને ભડભડ સળગતું જોયું. તેનો પ્રકાશ ચારેબાજુ ફેલાતો હતો. નાના-મોટા સહુ લોકો તેની આસપાસ બેઠાં બેઠાં હાથ-પગ તાપતા હતા અને વાતો કરતા હતા કે, ‘વાહ..! કેવું સરસ મજાનું તાપણું છે. આ લાકડું કેવું સરસ મજાનું સળગે છે. કેવું સરસ અજવાળું આપે છે. વાહવાહ..!’

ભીનું લાકડું આ સાંભળતું હતું. બળતા લાકડાનાં વખાણ સાંભળીને એનો જીવ ઈર્ષાથી બળી ગયો, એને સહેજ પણ ન ગમ્યું. ઈર્ષાની આગમાં તે વિચારતું હતું કે, ‘આ ઠોઠમાં આટલું બધું તેજ ! આટલાં બધાં વખાણ ? એનામાં તે વળી શું છે ? વજન તો મારું એના કરતાં વધારે છે.

એણે અભિમાનમાં સૂકા લાકડાને પૂછ્યું, ‘અલ્યા એ..! સૂકા..! તારા કરતાં તો હું વધારે રૂપાળો છું, ટામેટાના જેવો ગોળમટોળ છું અને તું તો સૂકાઈ ગયેલી શિંગ જેવો છે, છતાં તને આટલું બધું માન કેમ મળે છે ? તારામાં આટલું બધું તેજ કેમ કરીને આવ્યું ? હું તો કેટલાય વખતથી લોકો મને ઓળખે એવા ખ્યાલ કરું છું, પણ મારામાં આવું તેજ કેમ ન આવ્યું

સૂકા લાકડાએ કહ્યું, ‘અરેભાઈ ભીના ! તું માત્ર પડ્યું પડ્યું મનસૂબાઓ કરે છે પણ કાંઈ પુરુષપ્રયત્ન તો કરતો નથી. પછી તારામાં તેજ કેવી રીતે આવે ? તને લોકો ઓળખે કેવી રીતે ?

અભિમાની ભીના લાકડાએ વટમાં કહ્યું, ‘ભલે..! હું મનસૂબાઓ કરું છું, પણ તેં એવું શું કર્યું છે એ તો દેખાડ ? તને આ તેજ, માન, યશ બધું મફતમાં જ મળી ગયું ને ! એની પાછળ તારી કઈ ચાલાકી છે ?

બળતા લાકડાએ પ્રેમથી કહ્યું, ‘ભાઈ ભીના ! આમાં કોઈ ચાલાકી નથી, આ તેજ, આ બધો યશ કાંઈ બેઠાં-બેઠાં ન મળે ! એને માટે ભોગ આપવો પડે છે; ખૂબ મહેનત કરવાનો, જાતે બળવાનો અને જાતે નામશેષ થઈ જવાનો. તું ભોગ આપે તો તને પણ આવું તેજ, યશ મળે અને સહુ રાજી થાય, તારે જો એ બધું મેળવવું હોય અને તારું જીવવું સાર્થક કરવું હોય, તો આવ મારી જેમ બળ, કામ કર. નામશેષ થા પછી સિદ્ધિ પામીશ.

આ સાંભળીને ભીના લાકડાની આંખો કપાળે ચડી ગઈ. એણે કહ્યું, ‘બાપ રે..! હું બળી મરું ? ના બાપા ના..! મારે નામશેષ નથી થવું.’ બળતા લાકડાએ કહ્યું, ‘તો પછી ત્યાં પડ્યું પડ્યું સડ અને મર.

વહાલા ભક્તો ! મહારાજે આ સૃષ્ટિ રચી તેમાં દરેક માણસને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ મેળવવાનો અધિકાર આપ્યો છે. જે વ્યક્તિ આજ્ઞા પાળવાનો, ભજન-ભક્તિ કરવાનો, સેવા કરવાનો પુરુષપ્રયત્ન કરી ભગવાનને રાજી કરશે, તેને સર્વે વાતની સિદ્ધિ થશે અને બીજાનો જન્મ વ્યર્થ જશે. પડ્યા પડ્યા સડી જવા કે કટાઈ જવા કરતાં મહેનત કરીને ઘસાઈ જવું વધારે સારું છે.