મમતા

મમતા
August 1, 2025
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

એક ભાઈને ઘણા સમય પછી પુત્ર જન્મ્યો. પુત્રના જોષ જોતાં જણાયું કે, ‘પુત્રનું મુખ જોતાં પુત્ર મરે કાં પિતા મરે.’ એટલે પોતાનો વંશ રાખવા પુત્રનું મુખ જોયા વગર જ તે ઘરેથી નીકળી ગયો અને ગંગાકિનારે જઈ સાધુ થઈ ત્યાં મઠ બાંધીને રહેવા લાગ્યો.

આ બાજુ સમય જતાં તેનો પુત્ર સોળ વર્ષનો થયો. એક વખત તે દડે રમતો હતો. એક ડોશીને દડો વાગતા તે બોલી, ‘આનો બાપ હોત તો આને વારત.’

આ વાત સાંભળી છોકરાએ એની માને કહ્યું, “મારા બાપા ક્યાં છે ?” માએ કહ્યું, “તારા બાપ તો તારો જન્મ થયો ત્યારના ઘર છોડી નીકળી ગયા છે.” દીકરો કહે, “મારે મારા બાપ પાસે જવું છે.” તેની માએ ન જવા દીકરાને ઘણું સમજાવ્યો, પણ દીકરો માન્યો નહિ અને પડોશીના એક છોકરાની સાથે બાપને ગોતવા નીકળ્યો. તેઓ બે મહિને એક રાત્રીએ કોઈ મઠ આગળ પહોંચ્યા. આ મઠનો મહંત જ આ છોકરાનો બાપ હતો. છોકરાની અને સાધુની ચાર આંખો ભેગી થઈ અને છોકરાને ઝાડા-ઊલટી શરૂ થઈ ગયાં.

છોકરો પોતાનો છે એવું જ્યાં સુધી જ્ઞાન નહોતું ત્યાં સુધી તેના વિષે હેત ન થયું. તેને મઠમાં રહેવા પણ ન દીધો, પણ જ્યારે ખબર પડી કે આ તો મારો પુત્ર હતો, ત્યારે છાતી કૂટવા લાગ્યો.