
માન એવો મહા ભયંકર દોષ છે કે તે હિત-અહિતના વિવેકનો નાશ કરે છે, મુમુક્ષુની મુમુક્ષુતા હણી લે છે, મોક્ષના તમામ સાધનોને ધૂળમાં મેળવી દે છે. સત્શાસ્ત્રો, મહાપુરુષો અને ભગવાન પોકારી પોકારીને માન મૂકવાની વાતો કરે છે, પણ અભાગી જીવને એ વાત સમજાતી નથી. ભગવાનના ભક્ત હોય, સેવા-ભજન અને સત્સંગ કરતા હોય; તોપણ માન મૂકી શકાતું નથી. અરે ! ખુદ પોતાના ઇષ્ટદેવનું પણ મનાતું નથી તો બીજાની વાત ક્યાં કરવી ? વર્ષોથી મેળવેલો રાજીપો માનને લઈને ક્ષણવારમાં ખોઈ બેસે છે. પછી આખી જિંદગી દુ:ખના દાડા ભોગવે છે. એના પર એક પ્રસંગ જોઈએ.
મહેમદાવાદમાં બેચરભાઈ તથા દુર્લભરામ; બંને બ્રાહ્મણો શ્રીજીમહારાજના પરમ એકાંતિક ભક્ત હતા. મંદિરમાં રહીને અખંડ ધ્યાન, ભજન, કથા-વાર્તા કરતા હતા. બંને જણા વહેવાર પણ સાથે કરતા. ક્ષણમાત્ર જુદા થયા હોય ને જ્યારે ભેગા થાય ત્યારે શાંતિ થાય - એવી અરસપરસ ગાઢ મિત્રતા હતી; પરંતુ વહેવાર માર્ગ એવો છે કે ગમે તેવા ગાઢ સંબંધોને પણ પળવારમાં ધૂળમાં મેળવી દે છે.
આ બંને ભક્તોના જીવનમાં પણ કાંઈક એવું જ બન્યું. બંનેને કાંઈક વહેવારના પ્રસંગથી પરસ્પર થોડી ખેંચતાણ થઈ અને વધતાં વધતાં એટલી વધી ગઈ કે એકબીજાને બોલવાનો પણ વહેવાર રહ્યો નહીં. એવી તો આંટી પડી કે બેચરભાઈ જ્યારે મંદિરમાં માળા ફેરવતા હોય ને દુર્લભરામ મંદિરની ખડકીએ રહીને ખોંખારો કરે, તે સાંભળીને તુરત જ બેચરભાઈ માથે પાઘડી મૂકીને ઘેર ચાલ્યા જાય; તેવી જ રીતે બેચરભાઈ મંદિરમાં આવે ત્યારે દુર્લભરામ ઘેર ચાલ્યા જાય. વળી, હરિભક્તો આગળ એકબીજાનું ઘસાતું બોલે. આવી બંનેને આંટી પડી ગઈ હતી. આ વાતના સમાચાર કોઈકે વડતાલમાં શ્રીજીમહારાજને આપ્યા.
શ્રીહરિનાં કરુણાથી નીતરતાં વચનો સાંભળી બેચરભાઈ હાથ જોડી બોલ્યા, “હે મહારાજ, તમે તો સર્વેશ્વર છો, વળી અમારા ઇષ્ટદેવ છો. તમે જેમ કહો તેમ કરવા હું તૈયાર છું. તમે કહો તો દુર્લભરામને પગે લાગું ને એના જોડા માથા ઉપર રાખી મોઢામાં ઘાસનાં તરણાં લઈ માફી માગું. દુર્લભરામ મારી પાઘડી હાથમાં લઈને મને જય શ્રીસ્વામિનારાયણ કહે; તેમ હું તેમને કહું ને પાણીમાં લીટો કરીએ. મારે તો કોઈ પણ રીતે આપને રાજી કરવા છે.”
બેચરભાઈનો આવો ખપ અને નિર્માનીપણું જોઈ મહારાજ તેના ઉપર બહુ પ્રસન્ન થયા ને કહે, “બેચરભાઈ તમને ધન્ય છે. તમે મારી મરજી બરાબર સાચવી. તેથી હું તમારા ઉપર ખૂબ રાજી થયો છું.”
દુર્લભરામે મહારાજની વાત ન માની, છતાં શ્રીહરિએ તેમનું હિત કરવા મુખમુદ્રા સહેજ કઠોર કરીને કહ્યું, “દુર્લભરામ ! આજ તમે અમારી વાત માનતા નથી. બેચરભાઈ તમારા જોડા ઉપાડવા તૈયાર છે, છતાં તમને ઘમંડમાં તેની પાઘડી ઉપાડતાં શરમ આવે છે ? પણ યાદ રાખજો, એક દિવસ તમારે માથાની પાઘડી ઉતારીને તેને પગે લાગવા જવું પડશે ને હેરાન થશો.” આમ કહી મહારાજે કચવાઈને તરત ચાલવાની તૈયારી કરી, પણ દુર્લભરામને એની કોઈ અસર ન થઈ. પછી મહારાજ તો માણકી ઉપર સવાર થઈ વડતાલ જવા ચાલી નીકળ્યા.
હવે દુર્લભરામને મહારાજના શબ્દો યાદ આવ્યા, પણ શું કરે ? આબરૂદાર માણસ એટલે આબરૂ સાચવવા સંબંધીઓને ઘણા સમજાવ્યા, પણ એમણે તો ચોખ્ખું સંભળાવી દીધું હતું કે, “જો બેચરભાઈ જાનમાં આવશે તો જ અમે આવશું, નહિતર તમે એકલા તમારા દીકરાને લઈને પરણાવવા જજો.”
સગાં-સંબંધીના જબરદસ્ત દબાણ આગળ આખરે દુર્લભરામે નમતું જોખવું પડયું. મહારાજે ઘણા સમજાવેલા પણ એ વખતે માનને લઈને મહારાજનું નહોતું મનાણું, પણ અત્યારે પોતાની આબરૂ સાચવવા સંબંધીઓ આગળ ઢીલા પડયા ને નિર્માની થઈ બેચરભાઈને ઘેર ગયા. પોતાની પાઘડી ઉતારીને બેચરભાઈના પગમાં પડયા ને કહે, “બેચર ! આજ મારી આબરૂ તારા હાથમાં છે. મારો દીકરો પરણે છે. તું જાનમાં નહિ આવે તો કોઈ નહિ આવે, માટે આગળ પાછળની વાતો ભૂલી મારા પ્રસંગને પાર પાડી દે.”
ભક્તરાજ બેચરભાઈએ એકદમ દુર્લભરામને બાથમાં તેડી લીધા ને કહ્યું, “દુર્લભરામ ! જ્યારથી મહારાજનો આદેશ થયો છે ત્યારથી મેં તો મારા મનમાંથી તમારા પ્રત્યેનો રોષ ખંખેરી નાખ્યો છે. તમે નકામો રોષ રાખી રહ્યા હતા. મારા મનમાં કાંઈ નથી. પણ ભાઈ ! એક વાત કહું ? મહારાજને આપણી પાસે શું સ્વાર્થ હતો ? એ તો કેવળ દયા કરી આપણા હિત માટે પધાર્યા હતા, ત્યારે જો માન્યા હોત તો મહારાજનો કેટલો રાજીપો મળત ?”
બેચરભાઈ તો બહુ સમજદાર હતા એટલે બોલ્યા, “દુર્લભરામ, ચાલો હું જાનમાં આવવા તૈયાર છું. તમારો દીકરો એ મારો જ દીકરો છે.”
પછી તો વિવાહ-પ્રસંગ ધામધૂમથી પૂર્ણ થયો. આ બાજુ શ્રીહરિને સમાચાર મળ્યા કે બેચરભાઈ અને દુર્લભરામે અબોલા છોડી દીધા છે. મહારાજ કહે, “જે થયું તે સારું થયું. માયાના આવરણે એમને ભુલાવ્યા હતા, મારે તો એ જ કરાવવું હતું. હવે સાથે રહીને ભજન કરશે, બંનેના આત્માનું રૂડું થશે.”
શ્રીહરિ તો કરુણાસિંધુ છે, જીવની અવળાઈ સામું જોતા નથી. પોતાના જાણી ગુના માફ કરી સદાય હિત જ કરે છે; પરંતુ ભૂલ તો ભૂલ જ છે. જે ભગવાન કે મોટાનું નથી માનતા તેનું ફળ તો તેને ભોગવવું જ પડે છે.
કહેવાય છે કે દુર્લભરામ બહુ આસામી હતા ને રૂપિયાની તો ગણતરી ન હતી. જ્યારે રૂપિયાના ભાગ પાડયા ત્યારે તોળી તોળીને રૂપિયા વહેંચ્યા હતા. વીસ હજારનું તો તેમની પાસે ઘરેણું હતું, પણ મહારાજનું વચન ન માન્યું ને કુરાજી કર્યા, તેથી તે બધી મિલકત ખવાઈ ગઈ ને સાવ રાંક જેવા થઈ ગયા હતા. માનમાં અને વટમાં જે ભૂલ કરી તેનું ફળ તેને ભોગવવું પડયું હતું. પરંતુ દયાસાગર શ્રીહરિએ દયા કરી અંતે એના બધા ગુના માફ કરી એમનું કલ્યાણ કર્યું હતું.