
પછી વાંદરાએ વિનંતી કરી એટલે ભૂદેવે તેને પણ કાઢ્યો, વાંદરાએ પણ ભૂદેવનો આભાર માન્યો ને જે જગ્યાએ પોતે રહેતો હતો તે જગ્યા બતાવી અને આવતાં-જતાં આવવાનું કહ્યું. તેણે પણ સિંહની જેમ સલાહ આપી કે, “સાપને બહાર કાઢવો હોય તો કાઢજો, પરંતુ પેલા કૃતઘ્ની માણસને કાઢશો નહીં.” એમ કહી વાંદરો પોતાના સ્થાને ગયો.
પછી ભૂદેવે કૂવામાં જોયું. ત્યારે પેલો મનુષ્ય કહે, “અરે ભૂદેવ ! તમે તો સાવ ભોળા છો હો ! આ ત્રણેય તો જાનવરો કહેવાય, તે તમોને શું મદદ કરી શકવાના છે ? તે તો તમોને છેતરીને જતાં રહ્યાં. પરંતુ હું અને તમે તો મનુષ્ય છીએ; એક મનુષ્ય બીજા મનુષ્યની મદદ કરે એવી કાંઈ જનાવર ન કરે ! માટે મને બહાર કાઢો તો હું તમારું કોઈક દિવસે કામ કરીશ.” આવાં વચન સાંભળી ભૂદેવ ભોળવાઈ ગયા. તેથી તેને બહાર કાઢ્યો એટલે તે માણસે પણ પોતાનું નામ તથા ગામનું નામ આપ્યું. પછી તે પણ પોતાના ગામ જતો રહ્યો.
ભૂદેવ આગળ તીર્થાટન કરીને પાછા ફરતાં રસ્તામાં ભૂખ લાગી એટલે વાંદરા પાસે ગયા. વાંદરાએ ખુશ થઈ આવકાર આપ્યો અને સુંદર રસદાર ફળો લાવી આપ્યાં ને ભૂદેવને જમાડી ખૂબ આભાર માન્યો. ત્યારપછી ભૂદેવ જંગલમાં જ્યાં સિંહ રહેતો હતો તેની પાસે આવ્યા. તે સમયે સિંહે રાજાના કુંવરને મારીને તેનો હાર રાખી મૂક્યો હતો. તે હાર ભૂદેવને આપ્યો અને ભૂદેવે કરેલી મદદને યાદ કરી ખૂબ આભાર માન્યો.
ભૂદેવ તો ગભરાઈ ગયા, ત્યાં સાપે આપેલ વચન યાદ આવ્યું. તુરંત મંત્ર બોલીને યાદ કર્યો તેથી સાપ આવ્યો. બ્રાહ્મણે પોતાને બચાવવા માટે વાત કરી ત્યારે સાપે કહ્યું, “મેં તમોને ના કહી હતી છતાં તમોએ એ કૃતઘ્ની માણસને બહાર કાઢ્યો તેનું આ પરિણામ છે, પરંતુ હવે હું તમને જરૂર મદદ કરીશ. મારી વાત સાભળો હું અત્યારે રાણીવાસમાં જઈને રાણીને કરડું છું. પછી તમારે રાજાના માણસોને કહેવાનું કે, મને સાપનું ઝેર ઉતારતા આવડે છે. એટલે તેઓ રાજાને વાત કરશે એટલે રાજા તમોને રાણી પાસે લઈ જશે. પછી તમે મને બોલાવજો એટલે હું આવીને ઝેર ચૂસી લઈશ.” એમ કહીને સાપે રાણી પાસે જઈને ડંસ માર્યો, તુરંત રાણી બેભાન થઈ ગઈ. અનેક ઉતારનારને લાવ્યા, પરંતુ ઝેર ઊતર્યું નહીં. તે સમયે જેલમાંથી ભૂદેવે રાજાના માણસો દ્વારા કહેવડાવ્યું કે, “મને ઝેર ઉતારતા આવડે છે.”
રાજાએ આ વાત જાણી, તેથી ભૂદેવને તુરંત રાણી પાસે લઈ ગયા. બ્રાહ્મણે સાપને બોલાવ્યો. તેથી સાપે આવીને ઝેર ચૂસી લીધું એટલે રાણીને સારું થઈ ગયું. રાજા અને રાણી બંને ખુશ થઈ ગયાં. પછી રાણીના કહેવાથી રાજાએ ભૂદેવને છોડી મૂક્યા અને હાર ક્યાંથી મળ્યો ? તે બાબત પૂછી. પેલાએ કહ્યું, “હું સિંહ પાસે ગયો હતો. તેણે મને હાર આપ્યો.” તપાસ કરતાં વાત સત્ય જણાઈ.
પછી રાજાએ પૂછ્યું, “તમોને પકડાવનાર માણસ સાથે તમારે કેવી રીતે ઓળખાણ થઈ ? ભૂદેવે પૂર્વે બનેલી સર્વે બીના કહી સંભળાવી. એટલે રાજાને પેલો માણસ કૃતઘ્ની છે એમ જણાયું. તેથી ઇનામ લઈને ઘેર ગયેલા પેલા કૃતઘ્ની માણસને પકડીને જેલમાં પૂરી દીધો.