ક્રોધ

ક્રોધ
April 1, 2026
વર્ણીવેશ દાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, માણસના ત્રણ મોટા શત્રુ છે : કામ, ક્રોધ ને લોભ. તેમાં ક્રોધ(ગુસ્સો) માનવજીવનમાં સૌથી મોટો શત્રુ ગણાયો છે. કેમ કે, ક્રોધ એક એવો અગ્નિ છે કે જે પહેલાં પોતાના હૃદયને સળગાવે છે અને પછી બીજા લોકોને નુકસાન પહોંચાડે છે. અને અર્ધ બળેલા કાષ્ટની જેમ ધૂંધવાયા કરે છે. માટે મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે, ‘તીખા સ્વભાવવાળાની તો કોઈ ખોટ નથી. એવા તો ઘણાય હોય પણ સાધુ થાવું એ જ ઘણું દુર્લભ છે.’ કહેતાં શાંત સ્વભાવે વર્તવું એ દુર્લભ છે.

અને લોયાના પહેલા વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે, “ક્રોધ ઉપર તો મારે ઘણું વેર છે ને ક્રોધી જે માણસ અથવા દેવતા તે મને ગમે જ નહિ... અને વળી ક્રોધ કેવો છે ? તો જેવા કસાઈ, આરબ, ભાવર, વાઘ, દીપડો, કાળો સર્પ તે જેમ સર્વને બિવરાવે છે અને બીજાના પ્રાણને હરી લે છે; તેમ ક્રોધ છે તે પણ સૌને બિવરાવે છે અને બીજાના પ્રાણને હરી લે છે. એવો જે ક્રોધ તે જો સાધુમાં આવે તે તો અતિ ભૂંડો લાગે; કેમ જે, સાધુ તો શાંત હોય પણ જ્યારે તેમાં ક્રોધ આવે ત્યારે તે સાધુ બીજાને ક્રૂર લાગે અને તે સાધુની આકૃતિ પણ ફરી જાય; કેમ જે, એ ક્રોધનું નામ વિરૂપ છે, માટે એ ક્રોધ જેના દેહમાં આવે તેના દેહને વિરૂપ કરી નાંખે.”

ત્યારે શુકમુનિએ પૂછ્યું જે, “હે મહારાજ ! જે લગારેક ક્રોધ ચડી આવે ને પછી તેને ટાળી નાંખે, એવો જે ક્રોધ તે કાંઈ નડતર કરે કે ન કરે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ આ સભા બેઠી છે તેમાં જો હમણે સર્પ નીકળે ને કોઈને કરડે નહિ, તોપણ ઊઠીને સૌને ભાગવું પડે તથા સૌના અંતરમાં ત્રાસ થાય; અને વળી જેમ ગામને ઝાંપે આવીને વાઘ હુંકારા કરતો હોય અને કોઈને મારે નહિ તોપણ સૌ માણસને અંતરમાં ભય લાગે ને બારણે નીકળાય નહિ; તેમ થોડોક ક્રોધ ઊપજે તે પણ અતિશય દુ:ખદાયી છે.”

મોટા ભાગે શાસ્ત્રોમાં કામ અને ક્રોધની સાથે જ વાતો લખાયેલી છે અને એમાં પંચવિષય ક્રોધનો હેતુ હોય છે. ભગવદ્ગીતામાં ભગવાને ખૂબ સરસ વાત કહી છે કે - ક્રોધથી મોહ થાય છે, મોહથી સ્મૃતિ ભ્રષ્ટ થાય છે અને સ્મૃતિ ભ્રષ્ટ થાય તો બુદ્ધિનો નાશ થાય છે. અર્થાત્ જ્યારે માણસમાં ક્રોધ આવે છે ત્યારે તે સાચું-ખોટું વિચારવાની શક્તિ ગુમાવી દે છે. ક્રોધ એ એક એવી ખરાબ ટેવ છે જે પળભરમાં સંબંધોને તોડી નાખે છે. અને છેલ્લે બાકી સત્સંગમાંથી પડી જાય છે.

આવા ક્રોધનું મૂળકારણ સત્સંગિજીવનમાં શતાનંદ સ્વામીએ કહ્યું છે - શ્રીનારાયણમુનિ કહે છે, “હે મુને ! આ લોકમાં ક્રોધ નામે મોટા દોષનું મૂળકારણ ‘માન’ છે, તે ક્રોધ ક્ષણમાત્રમાં સમગ્ર દાન, વ્રત, તપ, યમ અને નિયમોને બાળી નાખે છે.

માટે આપણે તો ભગવાનના ભક્તો છીએ. નાની કે મોટી વાતમાં જો કોઈ ભક્ત સાથે ક્રોધ થઈ ગયો, તો આપણા જીવનું ખૂબ જ બગડી જાય. કેમ કે, જ્યારે ભગવાનના ભક્ત દુ:ખાય ત્યારે તેમાં રહેલા ભગવાન પણ દુ:ખાય. અને આપણી સર્વે સાધના-ભક્તિ ધૂળ થઈ જાય છે.”

હવે એક નાનકડી વાર્તા દ્વારા ક્રોધને સમજવાનો પ્રયત્ન કરીએ —

એક ગામમાં એક મોટા સંત ભિક્ષા માંગવા માટે એક શેઠના ઘરે પહોંચ્યા. શેઠ ધાર્મિક સ્વભાવના હતા. તેણે આદરપૂર્વક સંતને ભિક્ષામાં લોટ, દાળ, ચોખા વગેરે આપ્યાં. ભિક્ષા આપ્યા પછી શેઠે નમ્રતાથી કહ્યું કે, ‘ગુરુદેવ, હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું.’

સંતે કહ્યું કે, ‘પૂછો, શું પૂછવા માંગો છો ?’

શેઠે કહ્યું, ‘ગુરુદેવ, લોકો લડાઈ-ઝઘડા શા માટે કરે છે ? નાની એવી વાતમાં પણ મોટા ઝઘડા થઈ જાય તેનું શું કારણ હશે ?’

સંતે અચાનક કઠોર અવાજમાં કહ્યું કે, “હું અહીં ભિક્ષા લેવા આવ્યો છું, તમારા નકામા પ્રશ્નોના જવાબ આપવા નહીં.”

સંતના મોઢેથી આવું સાંભળતાં જ શેઠનો ચહેરો લાલ થઈ ગયો. તેને ખૂબ જ ખરાબ લાગ્યું. તે વિચારવા લાગ્યો કે, ‘મેં તેમને ભિક્ષા આપી અને તેઓ મારી સાથે આવી રીતે વાત કરી રહ્યા છે.’ શેઠનો ક્રોધ વધી ગયો અને તેણે સંતને ખૂબ સાચું-ખોટું સંભળાવી દીધું. અવાજ ઊંચો થઈ ગયો, શબ્દો કઠોર થઈ ગયા.

થોડી વાર પછી જ્યારે શેઠનો ક્રોધ થોડો શાંત થયો, ત્યારે સંત હસ્યા અને બોલ્યા કે, “તમે હમણાં પૂછ્યું હતું કે લોકો ઝઘડો શા માટે કરે છે ? તો અત્યારે મેં તમને કંઈ ખરાબ નહોતું કહ્યું, તોપણ તમને ક્રોધ આવી ગયો. કેમ જે, તમારા મનમાં ધાર્યા મુજબનો તમને જવાબ ન મળ્યો, તેથી તમે મારા પર બૂમો પાડવા લાગ્યા. શેઠ ! આ વચન બોલવા યોગ્ય છે અને આ વચન બોલવા યોગ્ય નથી; એ બેનો વિવેક ક્રોધ થકી રહેતો નથી. પછી મર્મભેદક દુષ્ટ વચનો પરસ્પર ક્રોધ થકી જ બોલાય છે. જો હું પણ તમારી જેમ ક્રોધ કરવા લાગ્યો હોત તો વાત અહીંથી જ ઝઘડામાં બદલાઈ જાત.”

શેઠ શાંત થઈ ગયા. તેને પોતાની ભૂલ સમજાવા લાગી. સંતે સમજાવ્યું કે, “ઝઘડાનું મૂળ ક્રોધ છે. જો બે પક્ષમાંથી કોઈ એક પક્ષ પણ શાંત રહે, તો ઝઘડો વધતો નથી. ગુસ્સામાં આપણે સાચું-ખોટું વિચારી શકતા નથી. નાની વાત મોટી બની જાય છે.”

શેઠે સંત પાસે માફી માંગી અને સંકલ્પ કર્યો કે તે હવેથી પોતાના ગુસ્સા પર કાબૂ રાખશે.

વહાલા ભક્તો ! હવે ક્રોધને જીતવાના થોડા ઉપાયો જોઈ લઈએ.

  1. જ્યારે ક્રોધની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે મૌન રાખી પાંચ વાર પ્રભુનું નામ લેવું.
  2. ક્રોધ થવાનાં કારણો અને તેનાથી થતાં નુકસાન વિચારતા રહેવું.
  3. જેની સાથે ક્રોધ થાય તેની પાસે દાસ બની દિલથી માફી માગતા રહેવું.
  4. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે કે, “જીવ તો સત્સંગે કરીને બહુ સમર્થ થાય છે, માટે ક્રોધાદિ સંબંધી સંકલ્પ ન જ કરવો; એવી આંટી જો દૃઢ પાડે તો તેને સંકલ્પ ન જ થાય.”
  5. મોટા સંતો-ભક્તો સાથે દિલનું જોડાણ હોય તો તેના હેતે કરીને તેના કહેવા મુજબ કરવાથી ક્રોધ ટળે છે.

વહાલા ભક્તો ! આપણે બધા સત્સંગી છીએ. જો આપણે ક્રોધ છોડીને શાંતિ, ક્ષમા અને પ્રેમ અપનાવીએ તો આપણા ઘરમાં, સમાજમાં અને સત્સંગમાં પણ સુખ અને શાંતિ વધશે.

અંતમાં મહારાજ, ગુરુજી અને સંતોનાં ચરણોમાં પ્રાર્થના કરીએ કે, ‘અમારામાં પણ નાના-મોટા અંશે કાળા મોઢાળો ક્રોધ રહ્યો છે, તે ટળે અને વહાલા મુક્તો પાસે દાસનાદાસ થઈને તેમને ખૂબ રાજી કરી શકીએ; એવી કૃપા કરશો.’