
દાસનો દાસ થઈ રહે, હરિ હરિજનનો સદાય;
એ જ હોંશિયાર પાકો, જ્ઞાન ચતુર કહેવાય...૦૧
બુદ્ધિનું જે અભિમાન છે, એ જ જાણો મૂર્ખાઈ;
જ્ઞાન ભોટ જાણો એને, એને મતિ નો કે‘વાય...૦૨
બુદ્ધિનું બુદ્ધિપણુ એ જ છે, રહે નહિ અભિમાન;
જેટલું માન રહે એટલું, મૂર્ખપણું જાણો જ્ઞાન...૦૩
આવી જાય ઉપયોગમાં, હરિ હરિજનને કાજ;
જ્ઞાન એ બુદ્ધિશાળી છે, બાકી મૂર્ખ બધા જ...૦૪
બુદ્ધિવાળાને ઓળખે, જ્ઞાન એ બુદ્ધિવાન;
જ્ઞાન એને ન ઓળખે, એ છે મૂર્ખ નિદાન...૦૫
મોક્ષરૂપ નિજ અર્થને, પળ પણ ભૂલી જવાય;
બુદ્ધિ એને કે’વાય નહિ, જ્ઞાન છે એ મૂર્ખાઈ...૦૬
ડાહ્યો એને જ જાણવો, રાખે નહિ અભિમાન;
જ્ઞાન બુદ્ધિને સમજે તે, હરિએ દીધેલ દાન...૦૭
નિજાત્માનું બગાડીને, દેહનું જ સારું કરાય;
જ્ઞાન એ બુદ્ધિ છે જ નહિ, એ છે મહા મૂર્ખાઈ...૦૮
વિષયમાં માલ માને છે, એ બુદ્ધિ નથી જ્ઞાન;
એ તો મહા મૂર્ખાઈ છે, થઈ જાવું સાવધાન...૦૯
હરિ આજ્ઞા લોપાઈ તે, બુદ્ધિ જ ન કે’વાય;
જ્ઞાન બુદ્ધિ એ જ જાણો, આજ્ઞામાં રે’વાય...૧૦
જેટલું ધાર્યું થાય છે, એટલી છે મૂર્ખાઈ;
જ્ઞાન હરિનું ધાર્યું કરો, એ જ સત્ય ચતુરાય...૧૧
ઈન્દ્રિય છેતરી જાય તો, બુદ્ધિ કેમ કે’વાય ?
જ્ઞાન મન જો છેતરે તો, એય જાણો મૂર્ખાઈ ...૧૨
- સંવત્ ૨૦૭૨, અષાઢ વદ-૬, તા.૨૫/૦૭/૨૦૧૬ મંગળવાર