
શ્રીહરિચરિત્રામૃતસાગર ગ્રંથના પૂર-૧૫, તરંગ-૯૭માં એક કથા આવે છે.
ગઢપુરમાં એકવાર શ્રીહરિએ શુકાનંદ સ્વામી પાસે એક રહસ્યમય પત્ર લખાવ્યો અને પત્રમાં નામ-સ્મરણનો મહિમા નામીએ પોતે લખાવ્યો. એમાં શું લખાવ્યું ? તો, “જેટલા અમારા વિવેકી હરિભક્તો છે, જેઓ સમજણથી સમર્થ થયા હોય છે; તે પોતાના દેહને અસત્ય માને છે અને જીવને સત્ય માને છે.”
“પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમના જોગે કરીને તે હરિભક્તો પોતાના આત્માને બ્રહ્મરૂપ જાણે છે અને શરીરને આત્માથી અલગ દેખે છે. ષટ્ચક્રોને ભેદીને જ્યારે યોગી બ્રહ્માંડને ભેદે છે ત્યારે તેને ગોલોકમાં અત્યંત તેજ દેખાય છે. યોગી જે તેજને દેખે છે, તેને સહુ ચિદાકાશ કહે છે. વળી, જેમને ભગવાન પુરુષોત્તમ કહેવાય છે તેઓ તે ચિદાકાશમાં રહે છે. જે ભક્તો હંમેશાં સ્વામી-સેવકભાવથી ભગવાનની ઉપાસના કરે છે, તેનું મુખ્ય સાધન તો ભગવાનનું ‘નારાયણ’ એવા નામનો જપ કરવો તે જ રહ્યું છે.”
મહારાજ પત્રમાં પોતે લખાવે છે, “‘સ્વામિનારાયણ’ એવું જે નામ તેનો જે અતિશય આગ્રહ કરીને જપ કરશે, તેને તે નામના નામી જે પ્રત્યક્ષ પરમેશ્વર છે, તે તેના જીવને સુષુમ્ણા નાડીને વિશે પ્રવેશ કરાવશે. પછી ષટ્ચક્રને ભેદાવીને તેને વૈકુંઠલોકનાં તરત દર્શન કરાવશે. અને પછી વૈકુંઠથી પર જે ગોલોકધામ કહેવાય છે તેને વિશે પણ પરમેશ્વર સહજ સ્વભાવે પ્રવેશ કરાવશે અને એ સહજ સ્વભાવે દેખાડશે. પછી તે ભક્તના સામર્થ્યનો કોઈ પાર પામતું નથી.”
આપણે એવું માનવું કે, પુરુષોત્તમનારાયણે આ રહસ્યનો પત્ર મને જ લખ્યો છે. હવે મને જ કહે છે કે, ‘હે વહાલા ભક્ત ! સ્વામિનારાયણ એવું મારું નામ જો અતિશય આગ્રહ કરીને તું જપ્યા કરીશ તો મહા સામર્થીવાન બની જઈશ.
“પછી તે ગોલોકના મધ્યે જે અક્ષરધામ રહ્યું છે, તેમાં તે ભક્તને શ્રીહરિ સહજ સ્વભાવે પ્રવેશ કરાવે છે.” પરાત્પર પુરુષોત્તમનારાયણ એ અક્ષરધામમાં પ્રવેશ કરાવે છે અને એ ભક્ત પૂર્ણ પુરુષોત્તમનારાયણની મૂર્તિમાં અતિ પ્રેમે કરીને પ્રવેશ પામે છે; એવી ઉચ્ચ કોટીની અનાદિમુક્ત જેવી સ્થિતિ પામે છે.
“સ્વામિનારાયણ એવા નામનો જપ નામીની સાથે આગ્રહ રાખીને કરે છે, તે ભક્તજનને અદ્ભુત સુખની પ્રાપ્તિ થાય છે.”
“જેમ ફળ વિનાનું ફૂલ અને પુત્ર વિનાની સુંદર સ્ત્રી પણ વાંઝણી કહેવાય છે, તેમ નામી સિવાયનું નામ વાંઝિયું છે. અને નામીથી યુક્ત જે નામ તે ફળ આપનાર ફૂલ અને પુત્રવાળી સ્ત્રીની જેમ સફળ છે અને ભાગ્યવાન છે; એમ દુનિયામાં કહેવાય છે.”
વળી, પૂર ૧૫ તરંગ ૯૮માં કહે છે —
સવાર-બપોર-સાંજ ઘડીક માળા ફેરવવી, ઘડીક કાઉન્ટીંગ મશીન ચલાવવું અને ન્હાતાં-ધોતાં, પૂજામાં ‘સ્વામિનારાયણ...સ્વામિનારાયણ...’ કરવું અને પછી ભગવાનને ભૂલીને કામ-ધંધામાં પડી જવું; એક એવા પ્રકારના ભક્તો. બીજો પ્રકાર એવો છે કે, જે બહુ ઝાઝાં નામ લે, આખો દી નામ લે, નામ બંધ જ ન થવા દે; એવા ભક્તો. એ બેમાં ફેર શું ? સ્વામિનારાયણ ભગવાને શુકાનંદ સ્વામી પાસે ગઢડામાં રહસ્યનો પત્ર લખાવ્યો હતો એમાં જ આ વાત લખી છે. આધારાનંદ સ્વામીએ એ પત્રને આ સાગરમાં ઉમેરી દીધેલો છે.
“જે ભક્તો આગ્રહ રાખીને અતિ ભાવથી ભગવાનનું નામ ખૂબ ખૂબ જપે છે, તે છતા દેહે ભગવાન પુરુષોત્તમના ધામને દેખશે.”
હવે બીજા નંબરનો પક્ષ :
જે થોડાં નામ લેશે તેને મરણ સમયે ધામ દેખાશે. અને જે નામીની સાથે નામ નથી લેતા, તે પૂરા ભક્ત કહેવાતા નથી.
મહારાજે આ પત્ર સાધુઓને લખેલો કે, હે પરમહંસો ! તમે નામીએ સહિત નામનું પ્રતિપાદન જો નથી કરતા તો, તમે દેહરૂપ છો. તમે અમારા સ્વામિનારાયણ નામને નામીએ સહિત જપવાનું-અખંડ સ્મરણ કરવાનું પ્રતિપાદન નથી કરતા, એવો વેગ નથી ચડાવતા તો તમે ગુરુદ્રોહી, વચનદ્રોહી, સંતદ્રોહી, દેહરૂપ છો. આટલું બધું ભગવાન સ્વામિનારાયણે કહી દીધું. આનાથી એ દેખાય છે કે, ભગવાનને નામીએ સહિત નામના સ્મરણનો આગ્રહ કેટલો બધો છે !
“નામીએ સહિત નામ લેનારાને ગુરુભક્ત તથા સંતના સાચા સેવક કહેવા; એવા ભક્ત અક્ષરધામમાં રહેશે.” મહારાજે આવો આશીર્વાદ આપ્યો છે.
“અમે આ પત્ર લખ્યો છે તેનો સૌએ પ્રચાર કરવો. તમને સહુને આત્મદર્શી કરવા માટે અમારા મનમાં ઘણો પ્રેમ રહ્યો છે.” તમને બધાને આત્માનાં દર્શન કરાવવાં છે અને એ આત્મામાં અમારી મૂર્તિનું સાક્ષાત્ દર્શન તમને કરાવવું છે, એનો અમને ઘણો આગ્રહ છે; એમ મહારાજનું કહેવું છે.