
શ્રીહરિનું ચિંતન સતત થતું રહે તે માટે બે બાબત અતિ આવશ્યક છે - જરૂરિયાત અને પ્રીતિ
(૧) જરૂરિયાત, ખપ, શ્રદ્ધા :
જો ભડભડતી ભૂખ લાગી હોય તો ભોજનને સંભારવું પડતું નથી; સાંભર્યા જ કરે છે. પ્રાણ નીકળી જાય એવી પ્યાસ લાગી હોય, તો પાણી સાંભર્યા જ કરે છે. પૈસાની અતિ આવશ્યકતા હોય, તો ધન અને ધન મેળવવાના ઉપાય વિશે ચિંતન આપોઆપ થયા જ કરે છે; તેમ પરમાત્માનો ખરેખરો ખપ કે જરૂર જણાય તો પરમાત્મા સાંભર્યા જ કરે છે.
નીલકંઠવર્ણી વનવિચરણ કરતાં કરતાં એક ડોશીમાના ઘરેથી વગર કહીએ નીકળી ગયા. પછી તે માડીએ તેના દીકરાને કહ્યું, હવે તું ગમે ત્યાંથી વર્ણી મહારાજને શોધી લાવ; નહિ તો તને ખાવા નહિ દઉં, ઘરમાં રહેવા નહિ દઉં; માટે મહારાજને લીધા વિના તું પાછો આવીશ નહીં. હવે તે છોકરો વર્ણી મહારાજને શોધવા નીકળ્યો. પરંતુ સતત વર્ણીના જ વિચારો આવ્યા કરે; વર્ણી ક્યાં હશે ? મને ક્યારે મળશે ? કેવી રીતે પાછા આવશે ? આવશે કે નહિ આવે ? નહિ આવે તો મારું શું થશે ? માટે ગમે તે ભોગે મારે એમને પાછા લાવવા જ છે. આમ ખરેખર જરૂરિયાત ઊભી થઈ તો વર્ણી મહારાજ ભુલાતા બંધ થઈ ગયા. સતત સાંભરવા લાગ્યા.
ધ્રુવજી અને પ્રહ્લાદજીને પ્રભુની ખરેખર જરૂર જણાતી હતી, તો બાળ અવસ્થામાં પણ અખંડ પ્રભુપરાયણ રહેતા હતા. વાલિયા લુટારાને નારદજીના સમાગમથી ભગવાનની જરૂર સમજાણી, તો હજારો વર્ષ સુધી અખંડ રામના નામ પરાયણ રહી શક્યા.
આપણને પણ પ્રભુની આવી જરૂર ઊભી થાય, તો શ્રીહરિ સાંભર્યા જ કરે. જેમ કે, આ જન્મે મારે પ્રભુને પામવું જ છે. કેમ જે, જો ભગવાન નહિ મળે તો હું ક્યાં ક્યાં ભટકી પડીશ, મારે ફરી ફરી જન્મ લેવો પડશે. મારે હવે નવી મા કરવી જ નથી.
(૨) પ્રીતિ-પરાભક્તિ :
જેને જે અતિ વહાલું હોય તે સંભારવું પડતું નથી, પરંતુ સાંભર્યા જ કરે છે. જેમ કે, માતાને તેનો વહાલસોયો દીકરો, પુરુષને પ્રિય પત્ની કે પ્રેમિકા, પ્રેમિકાને તેનો પ્રિય પ્રેમી સાંભર્યા જ કરે છે.
ગોપીઓને શ્રીકૃષ્ણ ભગવાન અતિ વહાલા લાગતા હતા, તો સતત સાંભરતા હતા. ભૂલવા હોય તોપણ ભુલાતા નહોતા. આખો દિવસ તેમના માટે જ સર્વે ક્રિયા થતી હતી. તેના ઘરે માખણની ચોરી કરે, હેરાન-પરેશાન કરે, તોપણ તેમનું જ ચિંતન-મનન થયા કરતું હતું; તેમ આપણને આપણા ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અતિ વહાલા લાગે, તો તેમનું જ ધ્યાન-ચિંતન થયા કરે. તે માટે જે કાંઈ કરવું પડે તે બધું જ કરવા તત્પર થઈ જઈએ.
ભગવાનનો તે ખપ, શ્રદ્ધા અને પ્રેમ પ્રાપ્ત કરવા માટે એક કોમન ઉપાય છે : મહારાજનો મહિમા દૃઢ કરવો. કેમ જે, જેનો મહિમા સમજાય, જેમાં સુખ સમજાય, જેમાં માલ મનાય, જે પોતાનાં સાચાં સગાં કે સર્વસ્વ સમજાય, જેના વિના જીવનમાં કાંઈક ખૂટતું કે તકલીફ મનાય, તો તેની જરૂરિયાત જણાયા કરે અને તેમાં પ્રેમ પણ થાય.
આપણા આદિ ગુરુ મુક્તરાજ ગોપાળાનંદ સ્વામીએ એટલે જ કહ્યું છે કે, શ્રીહરિનું સમગ્રપણે માહાત્મ્ય જાણ્યા વિના બીજાં કોટી સાધન કરે, તોપણ સર્વ ક્રિયાને વિશે શ્રીહરિનું અખંડ નામ-સ્મરણ કે મૂર્તિની સ્મૃતિ રહે નહીં. જે પ્રત્યક્ષ મૂર્તિ શ્રીહરિજી મહારાજનો મહિમા સમજે તેને જ શ્રીહરિજીનું ધ્યાન થાય છે.
ગોપાળાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા આવી રીતે આપણને સમજાવ્યો છે —
આ ઉપરાંત મહારાજનો મહિમા દૃઢ કરવા આપણે આવું પણ વિચારી શકીએ કે, તે પ્રભુની કૃપાથી આપણને તેમના સર્વોપરી મહિમાવાળા સદગુરુ અને સંતો-ભક્તોનો યોગ મળ્યો છે. તેમની કૃપાથી આજે આપણને આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન ઓળખાયા છે અને તેમનું ધ્યાન-ભજન-સ્મરણ કરવા મળ્યું છે. આવા મોટા મહારાજનું ધ્યાન, ભજન અને સ્મરણ આપણા ભાગ્યમાં હોય જ ક્યાંથી ? આ તો તેમની અને તેમના વહાલા પ્રગટ મુક્તોની આપણા ઉપર અકારણ બહુ જ મોટી કૃપા વરસી રહી છે.
વળી, આજે આપણને ગુરુજી દરરોજ સારામાં સારું ધ્યાન ધરાવે છે, તેનું બળ તથા વાતાવરણ પૂરું પાડે છે. તે માટે 3D કે AI દ્વારા શ્રીહરિનાં સારાં સારાં સ્વરૂપો બનાવડાવી અર્પણ કરે છે.
દંડવત, પ્રદક્ષિણા, પદયાત્રા, ધૂન, કીર્તન અને સ્મરણના પ્રકલ્પોનું પ્રોત્સાહન પૂરું પાડે છે. આ બધી મહારાજની મોટી કૃપા મળી રહી છે. માટે હવે તેનો વધુમાં વધુ લાભ લઈ આપણે મહારાજને અખંડ સંભારી રાજી કરી જ લેવા છે.
આવી રીતે મહારાજનો મહિમા વિચારતા અને વધારતા રહીએ, તો તેમના ધ્યાન, ભજનની શ્રદ્ધા વધે, ખપ જાગે અને પ્રેમ પણ પ્રગટે. જેથી સતત ધ્યાન-ભજન પરાયણ રહેવું સહેલું થઈ જાય.
જેમ ખોપાળાવાળા મયાદાદા રોજ મહિમાવાળા સંતોનો સમાગમ કરતા રહ્યા, ચરણરજ માથે ચડાવતા રહ્યા, તો ધીરેધીરે એવી ખુમારી ચડી ગઈ કે અખંડ ધૂન-ભજન અને નામ-સ્મરણ પરાયણ થઈ ગયા. એનો અભ્યાસ એમણે શ્રદ્ધાપૂર્વક ચાલુ ને ચાલુ રાખ્યો તો આ લોકમાં જ અક્ષરધામના મુક્તો જેવી સ્થિતિ થઈ ગઈ. તે છતાં દેહે બ્રહ્મરૂપ થઈ ગયા. મહારાજ દિવ્ય દર્શન અને દિવ્ય અનુભવો આપવા લાગ્યા. પછી તેમને ધ્યાન-ભજન-સ્મરણ કરવું નહોતું પડતું, પરંતુ થયા જ કરતું હતું; તેમ આપણે બધા પણ શ્રદ્ધાપૂર્વક અભ્યાસ કર્યા કરીશું, તો મહારાજ અને મોટાની કૃપાથી આપણને પણ એવું જ થઈ જશે.