ધ્યાન-સ્મરણ-૫

ધ્યાન-સ્મરણ-૫
April 1, 2026
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

વચનામૃત પ્ર.૨૨માં શ્રીહરિએ શીખવેલ રીત મુજબ ધ્યાનમાંથી ઊભા થયા પછી પણ ભજનનું વાતાવરણ જાળવી રાખવું અતિ જરૂરી છે. તે માટે બીજાં કામ કરતાં થકાં પણ જે જે કુનેહ કામ લાગે એવી છે, તે વિશે હજુ આપણે થોડું વિશેષ વિચારી લઈએ.

શ્રીહરિની દિનચર્યાને સંભાર્યા કરવી.

ચેષ્ટામાં સવારથી સાંજ સુધી મહારાજની જે દૈનિક ક્રિયાઓ આવે છે તેને તે તે સમયે સંભારવી. જેમ કે, શ્રીહરિ સવારે જાગીને દાતણ કરતા હોય, સ્નાન કરતા હોય, પૂજા કરતા હોય, નાસ્તો કરતા હોય. પછી સભા ભરીને બેઠા હોય, ધૂન-કીર્તન ચાલતાં હોય, કથા-વાર્તા કરતા હોય, બહારગામ જતા હોય, બપોરે થાળ આરોગતા હોય, પોઢ્યા હોય, આપણે પગચંપી કરતા હોય; આમ તે તે સમયે મહારાજ જે કરતા હોય તેવું આપણે મનોમન ચિંતવ્યા કરવું.

અથવા આપણે દિવસમાં પાંચ વખત માનસી પૂજા કરીએ છીએ. તેમાં સવારે માનસી પૂજામાં આપણે પ્રભુને જે રીતે સજાવ્યા હોય તેને બપોર સુધી સંભાર્યા કરવા, બપોરે જમાડીને પોઢાડયા હોય તેને ઉત્થાપન સુધી સંભા૨વા. પછી ત્રણ-ચાર વાગ્યે માનસી પૂજામાં મેવો જમાડી જ્યાં બેસાડયા હોય તેને સાંજ સુધી સંભાર્યા કરવા. આમ, પાંચેય માનસી પૂજાના સ્વરૂપને આખો દિવસ દિનચર્યાના ભાગરૂપે સંભાર્યા કરવા.

મહારાજની જીવનચર્યા સંભારવી.

જેમ કે, છપૈયામાં બાળલીલા કરતા હોય, અયોધ્યામાં મંદિરે મંદિરે જતા હોય, કથા સાંભળતા હોય, ભણતા હોય. પછી વનવિચરણમાં વિચરતા હોય, લોજમાં લીલા કરતા હોય, સત્સંગમાં વિચરણ કરતા હોય, સમાધિઓ કરાવતા હોય; આવું બધું ડિટેઇલથી સંભાર્યા કરીએ.

મહારાજનાં હાથ, પગ, આંખ, નાક, કાન વગેરે અંગોઅંગને સંભારવાં કે તિલ-ચિહ્નની ઉથલ લગાવ્યા કરવી.

તે માટે મસ્ત મેડિટેશન નામનું 3D એનિમેશન અતિ ભાવથી અનેક વાર જોયા કરવું. મહારાજનાં તમામ તિલ-ચિહ્નોને ક્રમ પ્રમાણે યાદ કરી લેવાં.

  • પ્રભુએ અંગોઅંગમાં ધારણ કરેલ વસ્ત્ર, આભૂષણ અને હાર વગેરે શૃંગારને સંભાર્યાં કરવાં.
  • આખો દિવસ ઉપરની સ્મૃતિ માટે યથાર્થ સ્ફૂર્તિ ન હોય, તો મંદિરમાં બિરાજમાન મહારાજનાં એકાગ્રતાથી દર્શન કરવાં તથા કુંડળધામ તરફથી પ્રકાશિત થયેલ તે તે વિડિયો ધ્યાન, 3D એનિમેશન કે AI નાં સ્વરૂપો; આમાંથી આપણે જે સંભા૨વું હોય તેનાં શાંત ચિત્તે વારંવાર દર્શન કરવાં; તો હાલતાં ચાલતાં કે બીજું કામ કરતાં તે સંભારવું સહેલું પડે.
  • નારાયણની નવધા ભક્તિ અતિ ભાવથી કરવી.
  1. જેમ કે, શ્રવણભક્તિ - ધૂન, કીર્તન કે કથા સાંભળતી વખતે શ્રીહરિ અને મુક્તો જ મને આ લાભ આપી રહ્યા છે; એમ અતિ ભાવથી શ્રવણ કરવું.
  2. કીર્તનભક્તિ - તન્મય થઈને કથા, કીર્તન અને ધૂન કરવી.
  3. સ્મરણભક્તિ - આખો દિવસ મહારાજનું મનભાવન નામ-સ્મરણ કરતા રહેવું.
  4. અર્ચનભક્તિ - પ્રભુની પ્રાતઃપૂજા અતિ પ્રેમ અને એકાગ્રતાથી કરવી. દિવસ દરમિયાન પાંચેય માનસી પૂજા ભાવવિભોર થઈને પ્રગટભાવે કરવી.
  5. વંદનભક્તિવારંવાર દંડવત, પ્રદક્ષિણા કે પદયાત્રા વડે પ્રભુને સંભાર્યા કરવા.

શ્રીહરિને જ સર્વ કર્તાપણે સ્વીકારી સંભાર્યા કરવા.

સવારથી સાંજ સુધી જે કાંઈ કરવાનું હોય તેમાં આપણાં જ્ઞાન, ઇચ્છા અને ક્રિયાના પ્રકાશક, પ્રવર્તક એકમાત્ર મહારાજ જ છે; એમ સમજી સર્વ કર્તાહર્તાપણે આપણે મહારાજને સંભાર્યા કરવા. મહારાજ જ સારી સમજણ આપે છે, સારા સંકલ્પો કરાવે છે અને તેઓ જ તેને સફળ પણ કરે છે; એટલે આપણા જીવનના સર્વ કર્તાહર્તા એકમાત્ર મહારાજ છે. એમ અખંડ શ્રીહરિના ચિંતનપરાયણ રહેવું.

સર્વરૂપે શ્રીહરિને જ ધાર્યા-સંભાર્યા કરવા.

શ્રીહરિ સર્વના આત્મા પરબ્રહ્મ પરમાત્મા છે. તે જ સર્વેના નિયંતા અને અંતરયામી છે. એટલે સર્વરૂપે તેઓ જ બિરાજમાન છે; એમ સમજી સર્વરૂપે શ્રીહરિનું જ દર્શન-ચિંતન કરવું જોઈએ. તેની શરૂઆત ભગવાનની મૂર્તિ અને ભગવાનને અખંડ ધારી રહેલ કોઈ મોટા સંતથી કરીએ તો બહુ સહેલું પડે. કેમ જે, તેમાં આપણને શ્રીહરિનાં વચન અને સંતના વર્તનનો સપોર્ટ મળી રહે છે.

આઠ પ્રકારની હરિમૂર્તિ, નવમા સાચા સંત;
જ્ઞાન  તેમાં અખંડ  છે, સાક્ષાત  શ્રીભગવંત.

સંત માનજો મારી મૂર્તિ રે, તેમાં ફેર નથી એક રતી રે.

પછી ભગવાનના પ્યારા દરેક સંતો અને ભક્તોમાં ભગવાનને જોવાનો અભ્યાસ કરવો જોઈએ. છેલ્લે જીવ-પ્રાણીમાત્રમાં મહારાજને માનીએ ધારીએ તો ભગવાનમય રહેવું સહેલું થઈ જાય.

આમ, ધ્યાન સિવાયની ક્રિયામાં પણ પ્રભુપરાયણ રહેવાના અભ્યાસ માટે આમાંથી જે જે રીત ઉપયોગી થાય, તેનો અત્યંત ઉપયોગ કરવો જોઈએ. વળી જ્યારે સ્પેશિયલ ભગવાનનું ધ્યાન-ભજન કરવા બેસીએ ત્યારે તો એક શ્રીહરિનું જ સતત ચિંતન થાય તેવો અતિ સાવધાનીપૂર્વક દાખડો કરવો જોઈએ. આમ ક્વોલિટીવાળા સારા ધ્યાનને કારણે બીજી ક્રિયામાં ભગવાન સાંભર્યા કરે અને બીજી ક્રિયામાં ભગવાન સંભારવાનું અનુસંધાન જાળવી રાખ્યું હોય, તો ધ્યાનમાં સતત શ્રીહરિનું ચિંતન થયા કરે છે. છેવટે પ્રભુમાં પ્રગાઢ પ્રેમ જન્મે છે અને પછી અખંડવૃત્તિ સહેજે રહેવા લાગે છે.