ધ્યાન-સ્મરણ...

ધ્યાન-સ્મરણ...
December 1, 2025
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

ધ્યાન એટલે ચિંતન. સ્મરણ એટલે સ્મૃતિ કે નામરટન. બંધ આંખે કે ખુલ્લી આંખે જેટલું શ્રીહરિનું ચિંતન થાય તેટલું ભગવાનનું ધ્યાન થયું કહેવાય. જો ચિંતન બીજું થતું હોય તો આંખો બંધ કરી આસન વાળી બેઠા હોઈએ તોપણ એને ધ્યાન ન કહેવાય. શ્રીહરિની સ્મૃતિ કે નામરટન ચાલુ હોય તો ભગવાનનું સ્મરણ કર્યું કહેવાય. ભગવાન કે ભગવાનનું નામ ભુલાઈ ગયા પછી માળા કે જપયંત્ર ચાલુ હોય છતાં શ્રીહરિનું સ્મરણ થયું ન કહેવાય. શ્રીહરિનું ચિંતન, સ્મૃતિ કે વૃત્તિ એ સરખા જેવાં છે.

અનુલોમ એટલે કે બાહ્ય દૃષ્ટિએ ધ્યાન કરવું અર્થાત્ જેમ આપણે જગતરૂપી બીજું કાંઈ પણ જોઈએ છીએ, તેમ ઇન્દ્રિય-અંતઃકરણની બહાર પ્રસરતી વૃત્તિ દ્વારા ભગવાનને સંભા૨વા. જેમ કે ગઢપુર, વડતાલ જેવા કોઈ સ્થાનમાં કે આપણી આંખમાં શ્રીહરિને ધારવા-સંભારવા; તેને અનુલોમ ધ્યાન કહેવાય.

પ્રતિલોમ એટલે કે પોતાને ત્રણ દેહથી પર આત્મારૂપે કે બ્રહ્મરૂપે માની વૃત્તિને ઇન્દ્રિયો-અંતઃકરણમાંથી પાછી વાળવી. પછી આત્મામાં બિરાજમાન ભગવાનને દેહની જગ્યાએ માની ભગવાનનું ધ્યાન કરવું. જેમ આપણો દેહ હોય તેમ જ ત્યાં પરમાત્મા બિરાજમાન છે, તેનું વૃત્તિ દ્વારા ધ્યાન કરવું; તેને પ્રતિલોમપણે ધ્યાન ધર્યું કહેવાય. અનુલોમની અપેક્ષાએ પ્રતિલોમ ધ્યાન શ્રેષ્ઠ છે.

અનુલોમ કે પ્રતિલોમ ધ્યાનના બીજા ચાર પ્રકાર છે : સાંગ, ઉપાંગ, સપાર્ષદ અને સલીલ

પોતાના લેવલ પ્રમાણે અને અંતઃકરણની પરિસ્થિતિ પ્રમાણે ધ્યાનનો પ્રકાર પસંદ કરવો જોઈએ.

પોતાનું લેવલ એટલે કે ઉપર દર્શાવેલ પ્રકારોમાંથી જે પ્રકારનું ધ્યાન કરવાથી આપણને સારામાં સારું ધ્યાન થઈ શકે, સુખ બહુ આવે અને સમય ક્યાં જતો રહે તેની ખબર ના રહે, તે આપણું લેવલ કહેવાય. આપણે એવા પ્રકારનું ધ્યાન કરવું જોઈએ. તે ધ્યાનમાં હેત વધી જાય પછી તેનાથી શ્રેષ્ઠ પ્રકારનું ધ્યાન કરી શકાય અને તેમાં ફાયદો પણ વધુ થાય.

અંતરની પરિસ્થિતિ એટલે કે ક્યારેક અંતરમાં આનંદ અથવા ઉદ્વેગ વર્તતો હોય, ક્યારેક રજોગુણ, તમોગુણ કે સત્ત્વગુણની અસર હોય તો તેને અનુરૂપ ધ્યાનનો પ્રકાર પસંદ કરવો જોઈએ. જેમ કે, આનંદ વર્તતો હોય ત્યારે સાંગ કે ઉપાંગ ધ્યાન સારું થાય. ઉદ્વેગ હોય ત્યારે પ્રાર્થના કે આત્મવિચાર સાથે ધ્યાન કરવાથી ધ્યાનનો ફાયદો વધુ થાય. રજોગુણને કારણે વિચારો વધુ આવતા હોય ત્યારે સલીલ ધ્યાન વધુ ઉપયોગી થાય.

પ્રતિલોમ ધ્યાનમાં બહુ હેત ન થતું હોય તો અનુલોમ ધ્યાન કરવાથી ફાયદો વધુ થાય. જેમ બીજા સંત-ભક્ત શ્રીહરિની સેવા કરતા હોય તેમ ધ્યાનમાં આપણે પોતે સેવા કરીએ તો હેત વધુ થાય.

ગોપાળાનંદ સ્વામીએ આ વાતને એક શ્ર્લોક દ્વારા સારી રીતે સમજાવી છે -

ધ્યાન ધરનાર ધ્યાનથી થાકે તો મંત્રનો જપ કરે અને જપ કરતા થકા થાકે તો ફરી પાછા ધ્યાન ધરે. જે ભક્ત આવી રીતે ધ્યાન અને મંત્રજપમાં જોડાયેલ રહે છે તેના ઉપર ભગવાન તત્કાળ રાજી થઈ જાય છે.

ધ્યાન દરમિયાન મૂર્તિને વધુ સ્પષ્ટ દેખવી કે ચિંતવવી હોય તો પહેલા ખુલ્લી આંખે મહારાજની મૂર્તિને નીરખવી ખૂબ જરૂરી છે. ધર્મપુરવાળા કુશળકુંવરબાઈની જેમ પહેલાં મહારાજનાં અંગોઅંગને નીરખી નીરખીને જોવાં. પછી તેને અંતરમાં ધારવાં. ફરી પાછા ખુલ્લી આંખે જોવાં. વળી અંતરમાં ધારવાં. આમ જેવાં બહાર દેખાય તેવાં ને તેવાં અંતરમાં પણ નીરખવાના કારણે ધ્યાનમાં વધુ સારી ક્વોલિટી આવે છે. આના માટે કુંડળધામથી પ્રકાશિત થયેલ મસ્ત મેડિટેશન જેવા થ્રીડી સ્વરૂપના નિહાળી નિહાળીને દર્શન કરવાં અતિ ફાયદાકારક છે.

ધ્યાનને સર્વોત્તમ બનાવવાનો શ્રેષ્ઠત્તમ ઉપાય પ્રભુપ્રેમ છે. જેટલો પ્રભુમાં પ્રેમ વધુ થાય તેટલું ધ્યાન શ્રેષ્ઠ બને છે, માટે પ્રભુમાં પ્રેમ વધારવાનો સૌથી વધુ આગ્રહ રાખવો જોઈએ. હરિમાં હેત વિના ધ્યાન કરવા જઈએ તો સુખ આવે નહિ, સફળતા મળે નહીં. બીજા વિચારો કે વિક્ષેપો વધુ પજવ્યા કરે એટલે સમય બગડે કાં છેવટે હિંમત હારી જવાય, એટલા માટે હરિમાં હેત વધારવાના ઉપાયો ધ્યાન દરમિયાન ખાસ કરવા જોઈએ.