
સમયની સાથે સંગ બદલાય તો જીવન પણ બદલાઈ જાય; એવી જ એક વાત છે..... હેમાંગ એક સામાન્ય છોકરો હતો, પણ એના વિચારો, એની જીવનશૈલી બાકીના છોકરાઓથી કંઈક આગવી હતી. સંસ્કાર અને સત્સંગને લીધે તે બાળપણથી જ ભગવાનમાં અનન્ય શ્રદ્ધા રાખતો. ભગવાન અને ભગવાનના વચનમાં ખૂબ વિશ્વાસી એવો હેમાંગ પૂજા કર્યા વગર તો તેના દિવસની શરૂઆત ન કરતો. તેના શાળાના મિત્રો જ્યારે વિડિઓ ગેમમાં, મોબાઈલમાં કે પાર્ટી કરવામાં વ્યસ્ત રહેતા; ત્યારે હેમાંગને સત્સંગ પ્રત્યે આગવો લગાવ હોવાથી તે મંદિરની સેવામાં વ્યસ્ત રહેતો.
માતા-પિતાએ આપેલા સંસ્કાર તેનું આવું જીવન બનવાનાં મુખ્ય કારણ હતાં. દરરોજ સાંજે ભજન, દોહા, ધૂન અને સત્સંગ; એ તો તેની રોજનીશીનો એક ભાગ હતાં. હેમાંગનાં સંસ્કાર અને પ્રવૃત્તિ જોઈ; જોનારનું મન હેમાંગને ભવિષ્યમાં સાધુ બનવાની કલ્પના કરવા મજબૂર કરતું. તેને મળેલા સંતના સંગને કારણે આ બધું થઈ રહ્યું હતું. પણ..... કહેવાય છે ને સમય બળવાન હોય છે. આ પરિવર્તિત જમાનામાં સમયની સાથે બધું બદલાઈ જાય છે.