ભક્તવત્સલ ભગવાન...

ભક્તવત્સલ ભગવાન...
May 6, 2026
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ

ધમડકાના રાયધણજીનાં બહેન જામબા અને ભાડેરના વાઘેલા પાતળભાઈની દીકરી રાજબા; આ બંને રામાનંદ સ્વામીનાં શિષ્યા હતાં. તેમનાં લગ્ન મૂળી નરેશ રામભાઈ પરમાર સાથે થયાં હતાં. આ બંને બાઈઓ અતિ પ્રેમી ભક્ત હતાં.

જ્યારે રાજબાને પ્રથમ વાર તેડવા માટે મૂળીથી વેલડાં ભાડેર આવ્યાં ત્યારે તેમને સાસરે જવાની જરાય ઇચ્છા નહોતી, તેથી તેમનાં માતા-પિતા અતિ મૂંઝાણાં કે હવે શું થશે ? ત્યારે શ્રીહરિ તેમને સુખી કરવા ધોરાજીથી તત્કાળ ભાડેર આવ્યા. પછી ઘોડેથી ઊતરી સીધા જ પ્રતાપસિંહ રાજા અને તેમનાં પત્ની પાસે ગયા. શ્રીહરિને દેખતાં જ તેઓ ખૂબ રાજી થયાં અને રડતાં રડતાં કહ્યું, ‘હે મહારાજ ! આ પરમારોનાં વેલડાં આવ્યાં છે અને દીકરી સાસરે જવાની ના પાડે છે, માટે હે નાથ ! કૃપા કરો.’ શ્રીહરિ કહે, “અમે એ માટે જ આવ્યા છીએ, તમે ચિંતા ન કરો. રાજુને અમારી પાસે બોલાવો.”

પછી રાજબા મહારાજ પાસે આવ્યાં. ત્યારે શ્રીહરિએ કહ્યું, “દીકરી રાજુ ! મૂળી પરમારોનું મોટું રાજ્ય ગણાય. અત્યારે તું સાસરે ન જા, તો તમારા પરિવાર અને ગામ ઉપર મોટી આપત્તિ આવી પડે. હવે તું જે માગ એ વરદાન હું આપું, પણ તું સાસરે જા.” ત્યારે રાજબા કહે, “હે નાથ ! આપ તો અહીં વારે વારે પધારો અને આપનાં દર્શનથી મને હૈયામાં શાંતિ શાંતિ થાય, પણ ત્યાં મારું કોણ ?”

ત્યારે મહારાજ કહે, “દીકરી રાજુ ! તું જરા પણ ચિંતા કરતી નહીં. હું તને દર્શન દેવા વારે વારે મૂળી આવીશ. તારે આંગણે તો અમે મોટું ધામ બંધાવશું, તેથી સંતો પણ ત્યાં અખંડ રહેશે; માટે તું રાજીપે સાસરે જા.” એમ વરદાન આપી શ્રીહરિએ રાજબાને મૂળી સાસરે મોકલ્યાં હતાં.

આ રીતે મહારાજે રાજબાને સાસરે મોકલી પાતળસિંહ તથા તેમના પરિવારને સુખી કર્યા હતા. વળી, પોતે આપેલા વરદાન મુજબ રાજબાને દર્શન આપી સુખી કરવા શ્રીહરિ અનેક વાર મૂળી પધારતા હતા.

એકવાર મહારાજ રાજબા તથા જામબાને સુખ આપવા મૂળી પધાર્યા. તે સમયે બોટાદના મોનજી જોશી મહારાજની સાથે હતા. તેમણે મહારાજને કહ્યું, “મારી બેન તથા દીકરી મૂળીમાં રહે છે, માટે આપણે તેને ઘેર ઉતારો કરીએ.”

મહારાજ કહે, “દીકરીના ઘરનું અન્ન ન ખવાય.” ત્યારે મોના જોશી બોલ્યા, “હે મહારાજ ! મારા જમાઈનું નામ મહાદેવ છે અને તેમને ગરાસિયા યજમાન ઘણા છે, માટે દીકરીનું ખાવું પડે તેમ નથી.” એમ વાતો કરતાં કરતાં મૂળી આવ્યા અને ત્યાં કેશાભાઈની વાડીમાં બંગલે ઊતર્યા. પછી શ્રીહરિએ મોના જોશીની દીકરી બેનબાને દરબારમાં રાજબા તથા જામબા પાસે ખાનગીમાં સંદેશો આપવા મોકલ્યાં.

બેનબાએ દરબારમાં જઈ કોઈ ન જાણે એવી રીતે રાજબા તથા જામબાને જાણ કરી કે, “અત્યારે શ્રીહરિ બહાર બંગલો છે તેમાં ઊતર્યા છે.” વાત સાંભળી બંનેના અંતરમાં અપાર આનંદ થયો અને તરત શ્રીહરિ માટે સરસ થાળ બનાવ્યો. પછી રાત્રે બેનબા પાસે થાળ ઊપડાવી જામબા તથા રાજબાએ મુખવાસ તથા સો રૂપિયા સાથે લઈને કોઈ ન જાણે એ રીતે મહારાજ જે બંગલે ઊતર્યા હતા ત્યાં આવ્યાં.

બંને રાણીઓએ શ્રીજીમહારાજને ખૂબ ભાવથી થાળ જમાડ્યો અને કહ્યું, “અહીં સર્વને બહુ ભાવ છે માટે રોકાઆે તો સારું.” પછી સો રૂપિયા ભેટ મૂક્યા. ત્યારે મહારાજ કહે, “અત્યારે કચ્છ જઈએ છીએ તે વળતા પધારશું.” ત્યારે બહેનોએ કહ્યું, “મહારાજ ! અમારે તમને અમારા ઘેર એક માસ છાના રાખવા છે.” ત્યારે શ્રીહરિ બોલ્યા, “હવે અમે કોઈ ન જાણે એમ તમારે ઘેર આવશું.”

ત્યારબાદ શ્રીહરિ કચ્છ ગયા અને વળતા કોઈ ન જાણે એ રીતે તેમને ઘેર પધાર્યા અને જામબા તથા રાજબાના મનોરથ પૂરા કરવા મહારાજ મૂળીમાં એક માસ છાના રહ્યા. બંને બહેનો નિત્ય થાળ કરી શ્રીહરિને જમાડતી. આ રીતે શ્રીજીમહારાજે બંનેને ઘણો લહાવો આપ્યો અને તેમની ભક્તિથી ભગવાન તેમને વશ થયા.

પછી તેઓ જ્યારે મહારાજને સંભારતાં ત્યારે શ્રીહરિ સાક્ષાત્ દર્શન આપતા. તે રીતે જ સમાધિમાં અનેક વાર દર્શન આપતા અને ઘણી વાર તેમના હાથનો બનાવેલો થાળ દિવ્યરૂપે પધારી જમતા. આ બંને બહેનોની ભક્તિથી શ્રીહરિજી તેમને આધીન વર્તતા. ઘણી વખત શ્રીહરિ સ્વયં તેમને સર્વે બાઈઓના દેખતા ગુલાલ અને રંગ આપી જતા. વળી, પોતાના ઘેર પૂજવા રાખેલ મૂર્તિ દ્વારા શ્રીહરિ ઘણી વાર બોલતા, “અમને ભૂખ લાગી છે, જમવાનું લાવો;” એમ મૂર્તિમાં રહીને પણ મહારાજ અપાર સુખ આપતા.

એક વખત ધનુર્માસમાં ઠાકોરજીની આરતી વહેલા થઈ. તે સમયે રાજબાઈ સૂતાં હતાં. ત્યારે ઠાકોરજી કહે, “કેમ સૂતાં છો ? થાળનો સમય થયો છે, અમને ભૂખ લાગી છે.” એમ કહી ઉઠાડીને થાળ કરાવીને જમ્યા અને સર્વને પ્રસાદી આપી.

તેમજ એકવાર ગામમાં કેરીઆે વેચવાવાળા ખૂબ કેરીઓ લઈને આવ્યા હતા. ત્યારે ઠાકોરજીએ કહ્યું, “આટલી બધી કેરીઆે આવે છે અને અમારા સારુ કેમ લાવતાં નથી ?” એમ કહી મોટા નાળિયેર જેવી દશ કેરીઓ આપી. તે જોઈને રાજબા વગેરે સર્વ બાઈઆે ઘણું આશ્ચર્ય પામ્યાં. આ રીતે મહારાજ તેમને અપાર સુખ આપતા.

વળી, એકવાર મહારાજે મૂળીમાં અલર્ક વાવે આ બહેનોની ભાવના હોવાથી શરદપૂનમની રાત્રીએ ગોલોકધામનો દિવ્ય રાસ દેખાડ્યો હતો અને શ્રીહરિએ પણ તેમની સાથે શ્રીકૃષ્ણ રૂપે થઈને રાસ રમી સહુને ખૂબ સુખ આપ્યું હતું અને તેમનાં હૈયાં આનંદથી છલકાવી દીધાં હતાં.

વહાલા ભક્તો ! આમ ભક્તવત્સલ ભગવાન શ્રીહરિ પોતાના પ્રેમી ભક્તોના ભાવ પૂરા કરી સર્વ રીતે અલૌકિક સુખ આપતા ને નિહાલ કરી દેતા. આપણે પણ એવા પ્રેમી ભક્ત બનીએ, તો આજે પણ ભગવાન આપણને આવા અલૌકિક સુખ આપી પોતાની મૂર્તિમય બનાવી દેશે.