આત્મભાવે-બ્રહ્મભાવે ભજન કર્યાનો લાભ !

આત્મભાવે-બ્રહ્મભાવે ભજન કર્યાનો લાભ !
September 1, 2025
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

આપણે જડ નથી, આપણે માયા નથી; આપણે તો ચિદ્ છીએ, માયાથી અલગ, માયાથી પર, શુદ્ધ ચૈતન્ય આત્મા છીએ. જન્મોજન્મથી દૃઢ થઈ ગયેલા માયાભાવને આત્મભાવ વડે જ ખસેડવો પડશે. હું આત્મા છું, હું બ્રહ્મ છું. આ શરીરમાં હું ભલે રહ્યો પણ હું શરીર જેવો નથી, શરીર નથી, એનાથી પર છું. શરીર મારાથી અલગ છે, હું શરીરથી અલગ છું. ભલે આપણે શરીર સાથે એક જેવા થઈ ગયેલા જણાતા હોઈએ, છતાં પણ આત્મા અને શરીર અલગ હતાં અને અલગ જ છે અને અલગ અલગ જ રહેવાનાં.

શ્રીજીમહારાજ વચ.લો.૧૭માં પોતાની મેળે બોલ્યા જે, “જુઓને, ભગવાનની માયાનું બળ કેવું છે, જેણે કરીને વિપરીતપણું ઘણું થાય છે; કેમ જે, પ્રથમ કેવો સારો જણાતો હોય ને પછી અતિશય ભૂંડો થઈ જાય છે.” એમ કહીને પછી વળી પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “આજ તો પ્રશ્ન પૂછો તો વાર્તા કરીએ.” ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! પ્રથમ સારો હોય ને સ્તુતિ કરતો હોય અને તેનો તે પાછો નિંદા કરવા માંડે છે; માટે સૂઝે એવો દેશ, કાળ, ક્રિયા, સંગ વિષમ થાય તોપણ સારો ને સારો જ રહે પણ કોઈ રીતે વિપરીત મતિ થાય નહિ; તે શાણે કરીને થાય ?

આ દેહ તો આપણે મફતનો માથે લીધો છે. પોતાને સાકાર માની દેહાભિમાન ધારણ કર્યું છે કે, ‘હું આ દેહ છું, આ મારું નામ છે, આ મારું કુળ, કુટુંબ છે. આ મારો આકાર છે.’ આમ, પોતાને સાકાર માન્યા પછી પોતાને કર્તાપણું મનાયું કે, ‘હું કર્તા છું, આ મેં કર્યું, આ હું કરીશ.’ આવો અહંકાર દૃઢ થઈ જવાથી આત્માની વૃત્તિઓ; કે જે ભગવદ્આકારે કરવાની હતી, એ મજબૂતપણે જડ-નાશવંત દેહાકારે વર્તવા લાગી. દેહાકાર પોતાનામાં ઠાંસીને ભર્યો હોવાથી જે વૃત્તિ મૂર્તિ આકારે રાખવાની હતી એ જ વૃત્તિ દેહમાં ફસાઈ ગઈ, રોકાઈ ગઈ. અને હવે એને દેહમાંથી ઉખાડીને મૂર્તિ આકારે કરવામાં મોઢે ફીણ આવી જાય છે.