અજ્ઞાન

અજ્ઞાન
February 1, 2024
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુન્ડલધામ
0:00/0:00

જંગલમાં એક સિંહણે એક બચ્ચાને જન્મ આપ્યો અને અસહ્ય પીડાને કારણે તે મૃત્યુ પામી. એકલું નવજાત સિંહનું બચ્ચું ત્યાં પડ્યું હતું. ઘેટાંઓને લઈને પસાર થતા એક ભરવાડે આ જોયું. તાજા જન્મેલા બચ્ચા પ્રત્યેના દયાભાવથી તેણે બચ્ચાને પોતાની સાથે લીધું.

ભરવાડના વાડામાં ઘેટાંઓની સાથે આ બચ્ચું ઉછરવા લાગ્યું. સમય જતા તે શારીરિક રીતે સિંહ બની ગયું, પરંતુ સ્વભાવ અને વિચારની દૃષ્ટિએ એ ઘેટું જ રહ્યું. કારણ કે, એનો ઉછેર ઘેટાંઓની વચ્ચે થયો હતો.

એકવાર કોઈ એક સિંહ ભરવાડના વાડા પાસે આવી ગયો. સિંહને જોઈને ઘેટાંઓ ગભરાઈને આમતેમ ભાગવાં લાગ્યાં. તેની સાથે પેલું સિંહનું મોટું થઈ ગયેલું બચ્ચું પણ ભાગ્યું. સિંહને આશ્ચર્ય થયું કે, ‘મને જોઈને ઘેટાંઓ ભાગે એ તો સમજી શકાય, પણ આ સિંહ કેમ ભાગે છે ? એણે પેલા ભાગતા સિંહને પકડ્યો. તે એકદમ ગભરાઈ ગયો. ઝાડા-પેશાબ પણ છૂટી ગયા. સિંહે આ ભાગી રહેલા સિંહને પૂછ્યું, “તું મારાથી કેમ ગભરાય છે ?

પેલો ઘેટા છાપ સિંહ કહે, “અરે ! તમે સિંહ છો અને હું તો ઘેટું છું, તો ડર તો લાગે જ ને !”

વહાલા ભક્તો ! આપણને પણ આવું જ થયું છે. કોઈ પણ શરીરમાં હોઈએ; આપણે તો આત્મા છીએ, શરીર નથી. અનાદિકાળથી વળગેલા કારણશરીરને કારણે આપણે આપણા મૂળસ્વરૂપને ભૂલીને ‘હું બુદ્ધિ’થી દેહને પોતાનું સ્વરૂપ માની લીધું છે. કમનસીબે આપણે દેહાત્મબુદ્ધિવાળા ઘેટા જેવા લોકોના ટોળામાં ભળીને આપણને સામાન્ય સમજી રહ્યા છીએ. શાસ્ત્રના કે સંતોના શબ્દોથી ખ્યાલ આવે કે આપણે કોણ છીએ ! પરંતુ આપણા મૂળસ્વરૂપને જોવા-જાણવાનો આપણે પ્રયત્ન જ નથી કરતા.