
સંવત ૧૮૭૨, સન્.૧૮૧૬માં સ્વામિનારાયણ ભગવાન ધર્મપુર રાજ્યમાં પધાર્યા હતા. ત્યાંનાં રાજમાતા કુશળકુંવરબા બહુ મહાન ભક્ત હતાં. તેમણે શ્રીહરિ તથા સંતો-ભક્તોનો રાજીપો લેવા બહુ જ સેવા કરી. વસંતપંચમીનો રંગોત્સવ પૂરો થયો, પછી કુશળકુંવરબાએ હજારો રૂપિયા શ્રીહરિના ચરણોમાં અર્પણ કરીને વિનંતી કરી, ‘હે પ્રભુ ! આ સર્વે ધન આપના આ સત્સંગીઓને વહેંચી દો.’ મહારાજ કહે, ‘અમારા ભક્તોને અમારે ધન દેવું નથી. જો તમે અમને અર્પણ કરી દીધું હોય તો અમને ગમે તેને આપીશું.’
કુશળકુંવરબા તરત જ બોલ્યાં, ‘મેં તો તમને અર્પણ કર્યું, હવે તમારી નજરમાં આવે એને આપી દો.’ પછી પ્રભુએ રાજ્યના નોકર-ચાકરને બોલાવ્યા. તેમની સામે કરુણાદૃષ્ટિથી જોયું. પછી કોઈને ખોબો, ધોબો કે કોઈને મૂઠી ભરી-ભરીને તે ધન આપવા લાગ્યા. તે વખતે આ વાત સાંભળીને એક ટેલિયા ભૂદેવ દોડાદોડ આવ્યા. તેમણે પુત્રને જનોઈ આપવા તથા પુત્રીને પરણાવવા માટે આર્થિક સહાયની અપેક્ષા જણાવી. પછી તેની ઇચ્છા મુજબ મહારાજે એક હજાર રૂપિયા તેને પ્રેમથી આપી દીધા. આ સમયે કુશળકુંવરબાઈએ પૂછ્યું, ‘તમે અમારા માણસોને આટલા બધા રૂપિયા આપ્યા અને તમારા ભક્તોને તો એક કોડી પણ ન આપી તેનું શું કારણ ?
વહાલા ભક્તો ! આપણા ઇષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણના વિચારો-સંસ્કારો ને સિદ્ધાંતો આવા હતા. તેઓ માયા અને માયાની સુખ-સગવડતાને ધૂળ જેવી તુચ્છ તથા મોક્ષ બગાડનારી માનતા. બિનજરૂરી ધન, જમીન, સત્તા ને સંપત્તિનો યોગ મુમુક્ષુ ભક્તો માટે દારૂ, ભાંગ અને ડ્રગ્સના ડોઝની જેમ ભાન ભૂલાડનાર ગણતા. તેમના પગલે ચાલતા મોટા પરમહંસ સંતો પણ ધન, સંપત્તિ અને સત્તાને મહાદુ:ખદાયી માનતા. બિનજરૂરી સુખ-સગવડતા મળે ત્યારે તેનો ખેદ અનુભવતા. આપણું કેમ છે ? આપણું માનવું આપણા ઇષ્ટદેવ અને આપણા વડવા જેવું છે કે જગતના જીવ જેવું ? જો આ જ જન્મે અખંડ સત્સંગ-ભજન પરાયણ રહી પ્રભુને પામવું જ હોય તો આપણે પણ તેમના રાહે જ ચાલવું જરૂરી છે.
ભગવદ્દગીતાજીમાં ભગવાનને કેવો ભક્ત અતિ વહાલો લાગે છે ? તેનો ઉલ્લેખ આ રીતે કરવામાં આવ્યો છે —
પ્રભુને પ્રાણપ્યારા એવા ગોપાળાનંદ સ્વામીએ આનો અર્થ આવો કર્યો છે. જે ભક્ત ધન, સ્ત્રી અને પુત્રાદિક પ્રિય વસ્તુ પ્રાપ્ત થાય તો હરખાઈ જાતો નથી. વળી એવું મનમાન્યું ન મળે કે જેવું-તેવું મળે તો ખીજાઈ જાતો નથી. જે ભક્ત મનમાન્યાં ધન-સ્ત્રી, ખાન-પાન કે ગાડી-બંગલાની અપેક્ષા રાખતો નથી અને સામેથી મળેલું હોય તેપણ કદાચ ટળી જાય તો શોક કરતો નથી. જેનાથી ભૌતિક સુખ, સગવડતા અને સન્માન મળે એવાં દાન-પુણ્યરૂપી શુભકર્મોથી તથા અશુભ કર્મરૂપી ખોટા માર્ગથી જે ભક્ત સો ગાઉ દૂર રહેવા ટેવાયેલ છે. અને મારાં ભજન-સ્મરણ, ધૂન-કીર્તન અને સત્સંગનું જ જેને તાન રહે છે એવો