આને કહેવાય પ્રભુ નામ-સ્મરણમાં પ્રેમ !

આને કહેવાય પ્રભુ નામ-સ્મરણમાં પ્રેમ !
April 1, 2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૨૪/૦૩/૨૦૨૪ ને રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન

ભગવાન સ્વામિનારાયણના પ્યારા, અતિ વૈરાગી અને અતિ સ્નેહી એવા નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમપ્રકાશના પ્રકાર-૧૨, કડી ૬માં લખ્યું છે —

લેતાં સ્વામિનારાયણ નામ રે,
                                                      થાયે પ્રાણી તે પૂરણકામ રે;

લેશે  નામ  નીરખશે  નેણે  રે,
                                                         પરમ પ્રાપ્તિ પામશે તેણે રે.

સ્વામિનારાયણ નામ લેતાં આપણે પૂર્ણકામ બની જઈએ છીએ. જેનાં તમામ કામ પૂર્ણ થઈ ચૂક્યાં છે; એ પૂર્ણકામ કહેવાય છે. પૂર્ણકામ એક ભગવાન છે. એ ભગવાનનું નામ લે એને કોઈ કામ બાકી રહેતું નથી.

હરિદાસ નામે ચૈતન્ય મહાપ્રભુજીના એક શિષ્ય હતા. ચૈતન્ય મહાપ્રભુજી પોતે જ નામ-સ્મરણનો ગંગાનો અગાધ ધરા જેવો પ્રવાહ હતા. રાત્રે ઊંઘ ઊડી જાય તો રડી પડે, ‘અરેરે ! હું કેવો મૂઢ ! ભગવાનનું નામસ્મરણ મૂકીને ઊંઘને પ્રેમ કરું છું ! ચૈતન્ય મહાપ્રભુજી જગન્નાથજીના મંદિરે આવે અને ધજા જુએ ત્યાં જ શ્રીકૃષ્ણની પ્રીતિ પ્રગાઢ થતાં મૂર્છા ખાઈને પડી જાય; આવો એમને ભગવાનમાં પ્રેમ હતો !

એમના શિષ્ય હરિદાસમાં નામ-સ્મરણનો પ્રેમ ઊતર્યો હતો. એ તો જાજરૂ બેઠા હોય ત્યારેય જોરજોરથી ‘હરેકૃષ્ણ, હરેકૃષ્ણ..’ એમ ભજન કરે ! પછી બીજા ચેલાઓને આ ઠીક પડ્યું નહિ, ઈર્ષ્યા થઈ. કોઈનામાં ઉચ્ચ ગુણ હોય તો બીજાથી એ સહન ન થઈ શકે; ઈર્ષ્યા થાય, થાય અને થાય.

કોઈએ મહાપ્રભુને એમની ફરિયાદ કરી કે, ‘આ જાજરૂમાં બેઠો બેઠોય ‘હરેકૃષ્ણ, હરેકૃષ્ણ..’ કરે છે. કાંઈક સમજવું જોઈએ. એ ‘હરેકૃષ્ણ, હરેકૃષ્ણ..’ કરવાની જગ્યા છે ? આ બધું ખરાબ લાગે છે. પાંચ માણસ જાણશે, તો આવીને શું કહેશે ? ગુરુદેવ, આમાં આપણી આબરૂ જાય; મારે કાંઈ એની સાથે ઈર્ષ્યા નથી.’ ઈર્ષ્યા હોય તોપણ પાછો આમ કહે.

મહાપ્રભુજીએ હરિદાસને કહ્યું, “બેટા ! તું સંડાસમાંય બેઠો બેઠો જોરજોરથી ‘હરેકૃષ્ણ, હરેકૃષ્ણ..’ કરે છે, એ બધાને ઠીક નથી લાગતું; તો જાજરૂ જતી વખતે તારે મોટેથી નામજપ ન કરવો, મનમાં નામ લેવું.” હરિદાસ કહે, ‘સારું ગુરુજી, જેમ તમે આજ્ઞા કરો તેમ કરીશ.’

થોડા દિવસ પછી નવીન ફરિયાદ મહાપ્રભુજી પાસે આવી કે, ‘પેલો હરિદાસ, જાજરૂ જતી વખતે એક હાથે જીભને ખેંચીને પકડી રાખે છે. આ શું વિચિત્રતા !’ પછી મહાપ્રભુજીએ પોતે ખાતરી કરી અને પછી હરિદાસને પૂછ્યું, ‘બેટા, તું આવું કેમ કરે છે ?’ એટલું જ્યારે પૂછ્યું, ત્યારે હરિદાસની બેય આંખોમાંથી આંસુડાંની ધાર થઈ. એ બહુ રડી પડયા. ‘ગુરુદેવ ! માફ કરજો. આપે મોટેથી નામ-સ્મરણ કરવાની ના પાડી છે અને મારાથી રહેવાતું નથી. આ લલુડીને એવો ચસકો લાગી ગયો છે, તે બોલ્યા વગર રહી શકતી નથી; એટલે હું એને જોરથી પકડી રાખું છું, નહિતર તમારી આજ્ઞાનો ભંગ થઈ જાય.’ એમ કહી હરિદાસ બહુ રડયા.

ચૈતન્ય મહાપ્રભુની આંખમાંથી પણ આંસુની ધાર થઈ ગઈ. એકદમ ઊભા થઈ હરિદાસને ભેટી પડયા અને કહ્યું કે, ‘બેટા, હવે તને અનુકૂળ આવે તેમ સુખેથી ભજન કર. હવે તને કોઈ પ્રતિબંધ નથી. નામ-સ્મરણ તો બધે જ થઈ શકે. ’

પવિત્ર  દેહે અપવિત્ર દેહે,
                                                        તે નામ નિત્યે સ્મરવું  સનેહે;

 જળે કરીને તન મેલ જાય,
                                                         આ નામથી અંતર શુદ્ધ થાય.

દેહ અપવિત્ર હોય યાતો પવિત્ર હોય, ક્રિયા પવિત્ર હોય કે અપવિત્ર હોય, પણ ઉચ્ચ સ્થિતિવાળા ભક્તો નામ-સ્મરણ કર્યા કરે છે. નામ જપવું એમાં કોઈ પાપ નથી. આમ, નામજપથી આવી ઉચ્ચતમ સ્થિતિ થઈ જાય છે. માટે નામ-સ્મરણ સતત ચાલુ જ રાખવું.

શ્રીમદ્ ભાગવતમાં નિમિરાજાએ ઋષભદેવ ભગવાનના પુત્ર એવા નવ યોગેશ્વરો પાસે હાથ જોડીને કહ્યું કે, આપ મને ભાગવતધર્મ સમજાવો. ત્યારે નવયોગેશ્વરમાંથી એક કવિ નામના યોગેશ્વર-મહાત્મા કવિજીએ નિમિરાજાને સ્મરણનો મહિમા જણાવતાં જે કહ્યું; એ મહર્ષિ વેદવ્યાસે શ્રીમદ્ ભાગવતજીના એકાદશ સ્કંધના અધ્યાય બીજાના ૩૯મા શ્લોકમાં નોંધ્યું —

शृण्वन् सुभद्राणि रथाङ्गपाणे,र्जन्मानि कर्माणि च यानि लोके ।
          गीतानि   नामानि  तदर्थकानि  गायन्  विलज्जो  विचरेदसङ्ग:।।३९।।

“હે નિમિરાજા ! ભગવાને આ લોકમાં જન્મધારણ વગેરે જે કાંઈ મંગળકારી લીલા-ચરિત્રો કર્યાં હોય તેને સાંભળવાં. તથા તેને અનુરૂપ એવાં કીર્તન અને ભગવાનનાં નામોનું લાજ-શરમ છોડીને ગાન કરતાં રહેવું. વળી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ અને કોઈ પણ સ્થાનમાં આસક્તિ રાખવી નહીં.”

एवंव्रत:  स्वप्रियनामकीर्त्या, जातानुरागो द्रुतचित्त उच्चै।
          हसत्यथो रोदिति रौति गायत्युन्मादवन्नृत्यति लोकबाह्य:।।४०।।

“હે નિમિ ! જે મનુષ્ય આ પ્રમાણેનું વિશુદ્ધ વ્રત (અખંડ સ્મરણનું નિયમ) લે છે; એના હૃદયમાં પરમ પ્રિય પ્રભુનાં નામ-કીર્તનથી ભગવાન પ્રત્યે અનુરાગ અને પ્રેમ અંકુરિત થાય છે. તેનું ચિત્ત દ્રવિત થઈ જાય છે.”

પછી તે સાધારણ લોકોની સ્થિતિથી ઉપર ઊઠી જાય છે. લોકોની માન્યતાઓ અને ધારણાઓથી તે પર થઈ જાય છે. દંભથી નહિ, પરંતુ સહજ સ્વભાવથી જ તે ભક્ત પ્રેમ-વિભોર, ઘેલા જેવો થઈને ક્યારેક તે ભગવાનની લીલા જોઈ જોઈને આનંદમગ્ન થઈને ખડખડાટ હસવા લાગે, તો ક્યારેક ગોપીજનોની જેમ, ‘હે પ્રભુ ! હે વહાલા ! હે પ્યારા ! આપ ક્યાં છો ?’ એવું કહીને હૈયાફાટ રુદન કરે છે. ક્યારેક મોટા અવાજે ભગવાનને પોકારવા લાગે છે, તો ક્યારેક સુમધુર સ્વરે ભગવાનના ગુણગાન ગાય છે. ક્યારેક ક્યારેક તે પોતાના પ્રિયતમ પરમાત્માને પોતાની આંખ સામે હોવાનો અનુભવ કરે છે. જ્યારે ભગવાન એની સામે પ્રગટ થઈ જાય છે, ત્યારે તેમને પ્રસન્ન કરવા માટે નૃત્ય પણ કરવા લાગે છે. હે નિમિરાજા ! આવી રીતે ભગવાનના ભક્તની ઉચ્ચતમ સ્થિતિ ભગવાનનાં ધૂન-કીર્તન, કથાવાર્તાથી થઈ જાય છે અને તેની બધી જ ક્રિયાઓ લોકાતીત બની જાય છે.

વહાલા ભક્તો ! આપણે આવા ભક્ત થવું છે. એકબીજા એકબીજાને સહારે મિત્ર બનીને ભજન-સ્મરણનું બળ મેળવજો, ચર્ચા કરજો, હિસાબ લેજો, રીપોર્ટ આપજો અને ભજન-સ્મરણમાં આગળ વધજો.